Breaking

Tuesday, 25 December 2012

એન્ડ્રોઇડની આરપાર


એન્ડ્રોઇડની આરપાર
ઓકે, તો તમે પણ સ્માર્ટ બની ગયા? મતલબ કે સ્માર્ટફોન લઈ લીધો? વાસ્તવમાં સ્માર્ટફોન હોવો એ નહીં, પણ સ્માર્ટફોનનો પૂરેપૂરો ઉપયોગ આવડવો એ ખરી સ્માર્ટનેસ છે! પહેલાં આઇફોન અને હવે એન્ડ્રોઇડના આવ્યા પછી ટચૂકડા અમથા ફોનમાં એટલી બધી સગવડો અને વિશેષતાઓ ઉમેરાવા લાગી છે કે કેટકેટલીય ખૂબીઓ આપણી નજર કે ટેરવાંની જાણ બહાર રહી જાય.
જો તમે નવોનવો એન્ડ્રોઇડ ફોન લીધો હોય કે લેવાનો વિચાર કરતા હો તો આજની આ બેઝિક વાતો તમને તમારા ફોનનો ખરેખરો સ્માર્ટ ઉપયોગ કરવામાં મદદરૂપ થશે. તમારો હેન્ડસેટ સેમસંગનો હોય, એચટીસીનો હોય કે એલજી-મોટોરોલા કે સોનીનો, અહીં બતાવેલી ખાસિયતોનો મોટા ભાગે તમે બધા હેન્ડસેટમાં ઉપયોગ કરી શકશો. એન્ડ્રોઇડનાં જુદાં જુદાં વર્ઝન તમે જાણતા જ હશો, તમારો ફોન 2.3 (જિંજરબ્રેડ) ધરાવતો હોય કે લેટેસ્ટ 4.0 (આઇસ્ક્રીમ સેન્ડવિચ), આ ખાસિયતો લગભગ કોમન છે (આ વાત તમારા ધ્યાનમાં આવી જ હશે કે એન્ડ્રોઇડનાં જુદાં જુદાં વર્ઝનનાં નામ એબીસીડી પ્રમાણે મીઠાશભરી વાનગીનાં નામ અનુસાર અપાયાં છે, જેમ કે કપકેક, ડોનટ, એક્લેર, ફ્રોયો, જિંજરબ્રેડ, હનિકોમ્બ અને જેલી બીન).

હોમસ્ક્રીન : એન્ડ્રોઇડ ફોનમાં કમ્પ્યુટરની જેમ ડેસ્કટોપની સગવડ હોય છે, જ્યાં તમે વધુ વપરાતી બાબતોના શોર્ટકટ સેટ કરી શકો છો (કમ્પ્યુટર માટેની ઉબન્ટુ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ આવી સગવડ છે - ઉ...લા..લા... આ ઉબન્ટુ શું છું? એવો સવાલ થયો હોય તો વિગતવાર વાત કરીશું આગળ ઉપર). એન્ડ્રોઇડ ફોનમાં તમે આવા સાત ડેસ્કટોપ પેજ સેટ કરી શકો છો. ગેમ્સ, મ્યુઝિક એપ્સ, પ્રોડક્ટિવિટી એપ્સ વગેરે વગેરે માટે તમે અલગ અલગ પેજનો ઉપયોગ કરી શકો. તમે હોમ સ્ક્રીનમાં હો ત્યારે સ્ક્રીન પર ‘બે આંગળીથી ચોંટિયો ખણવાનો’ પ્રયાસ કરો એટલે સ્ક્રીન મિનિમાઇઝ થઈને બધાં પેજ એક સાથે દેખાય, જેને મેક્સિમાઇઝ કરવું હોય તેના પર હળવો સ્પર્શ કરો!


વિજેટ્સ  :  હોમસ્ક્રીન પર તમે શોર્ટકટ્સ ઉપરાંત જુદા જુદા વિજેટ્સ પણ સેટ કરી શકો. જેમ કે તમે ફોનમાં ગૂગલ રીડરનો ઉપયોગ કરતા હો અને તેનું વિજેટ કોઈ એક હોમ સ્ક્રીન પર સેટ કરો તો તેમાં જુદા જુદા લેખનાં શીર્ષક બદલાતાં રહેશે. વિજેટ્સ સેટ કરવા માટે હોમ સ્ક્રીનની કોઈ પણ ખાલી જગ્યામાં હળવો પણ લાંબો સ્પર્શ કરશો એટલે એક ડાયલોગ બોક્સ ખૂલશે, તેમાંથી જે જોઈએ તે પસંદ કરી લો. આ રીતે તમે હોમ સ્ક્રીન પર વિજેટ્સ, ફોલ્ડરર્સ કે શોર્ટકટ્સ મૂકી શકો. સાદા ફોનની જેમ સ્પીડડાયલ સેટ કરવા માટે પણ શોર્ટકટમાં જઈને જોઈતો કોન્ટેક્ટ પસંદ કરી લો. ભવિષ્યમાં હોમસ્ક્રીનમાં આ કોન્ટેક્ટની લિંક પર એક ક્લિક કરતાં ફોન જોડાઈ જશે.


નોટિફિકેશન શટર : આ સગવડ તો તમે જોઈ જ લીધી હશે. સ્ક્રીનની ટોચ પરથી આંગળી નીચે લઈ જશો એટલે એક શટર પડશે જેમાં તમારા ફોનમાં નવી કઈ કઈ ગતિવિધિઓ થઈ - જેમ કે નવા મેસેજ, મેઇલ, ડાઉનલોડ વગેરે ઉપરાંત, વાઇ-ફાઇ, બ્લુટૂથ, જીપીએસ, વાઇબ્રેશન અને સ્ક્રીન ઓટોરોટેશનના ઓન-ઓફ બટન જોવા મળશે.


ટાસ્ક મેનેજર : સ્માર્ટફોન પણ અંતે તો કમ્પ્યુટર જેવા જ છે, તમે જેમ વધુ એપ્સ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી તેનો ઉપયોગ કરો તેમ ફોનની સિસ્ટમ મેમરીનો વધુ ને વધુ ઉપયોગ થતો જાય. (સ્માર્ટફોનમાં તમે અલગ મેમરી કાર્ડ નાખીને મોટા ભાગની એપ્સ તેના પર ઇન્સ્ટોલ કરી શકો છો, પણ સંખ્યાબંધ એપ્સ માત્ર ફોનની મેમરી પર જ ચાલે છે, જે મેમરી કાર્ડ કરતાં ઘણી ઓછી હોય છે. ફોન ખરીદતી વખતે આ બાબત ખાસ ધ્યાને લેશો.) કેટલીક એપ્સ તમે ઉપયોગ ન કરતા હો તો પણ બેકગ્રાઉન્ડમાં ચાલુ રહે છે. ફોનમાં તમારી જાણ બહાર શું ચાલે છે એ જોવા માટે ટાસ્ક મેનેજરમાં જવું પડે. હોમ બટન થોડો લાંબો સમય પ્રેસ કરી રાખશો એટલે ટાસ્ક મેનેજરમાં પહોંચી જશો.


કોલ લોગ્સ : તમે તમારા કોલ્સની હિસ્ટ્રી થોડા થોડા વખતે ડિલીટ નહીં કરો તો કોલ લોગ્સની સંખ્યા વધતી જ જશે અને થોડા જ સમયમાં, તમને એન્ડ્રોઇડ ફોનમાં ફોન કરવાનું કામ જ કંટાળાજનક લાગવા લાગે એટલો ધીમો રીસ્પોન્સ ફોન આપશે. જૂની હિસ્ટ્રી ડિલીટ કરવા કોલ લોગ્સમાં જઈ મેનુ બટનની મદદથી ડિલીટનો ઓપ્શન શોધી લો.


સ્ક્રીનશોટ : જેમ તમે કમ્પ્યુટરમાં  પ્રિન્ટ સ્ક્રીન કી પ્રેસ કરીને મોનિટર પર દેખાતું બધું જ સ્ક્રીનશોટ તરીકે કેપ્ચર કરી શકો છો, એ જ રીતે એન્ડ્રોઇડ મોબાઇલમાં પણ કરી શકો છો. આ માટે ફોનનું હોમ બટન અને પાવર બટન એકસાથે પ્રેસ કરો. સ્ક્રીન પર એક ઝબકારો થશે અને મેસેજ આવશે કે સ્ક્રીન કેપ્ચર થઈ ગયો છે અને તમારી ફોટોગેલેરીમાં સ્ક્રીનશોટ્સના ફોલ્ડરમાં તેની ઇમેજ સેવ થઈ ગઈ છે!


સાભાર - સાયબર સફર

No comments:

Post a Comment